ઉતાવળે આંબા ન પાકે

સીમાબેન મનોજભાઈ નાઈ, ઇસી, ઉંચીધનાલ પ્રાથામિક શાળા, ખેડબ્રહ્મા

હું છેલ્લાં બે વર્ષથી શ્રી ઉંચીધનાલ પ્રાથમિક શાળામાં કાર્યરત છુ. ત્યાં કાવ્યાબેન વિનોદભાઈ પટેલ નામની એક દીકરી હતી. જેનો ઉમર પ્રમાણે માનસિક વિકાસ ઓછો હતો. હું જયારે ૨૦૧૯માં ત્યાં હાજર થઇ ત્યારે મીનીમમ, બેઝિક ગણિત અને બેઝિક અંગ્રેજીના વિષયો ભણાવતી હતી. એ દીકરી તે વખતે ધોરણ ૬ માં અભ્યાસ કરતી હતી પણ તેને બોલવામાં જીભના પ્રોબ્લમ ના લીધે તકલીફ પડતી હતી. તે શાળાના શિક્ષકો પણ તેની ઉપર સરખું ધ્યાન આપતા ન હોઈ અભ્યાસમાં તેનો કોઈ વિકાસ થયો જ ન હતો. જ્યારથી તે મીનીમમના ક્લાસમાં આવતી થઇ ત્યારથી મેં એ દીકરી પર પૂરેપૂરું ધ્યાન આપવાની કોશિશ કરી છે. આ દીકરી જયારે પહેલીવાર આવી ત્યારે તે બોલવાનો પ્રયત્ન કરે પણ બોલી શકતી નહિ અને કાંઈ લખવા આપું તો માત્ર લીટા જ પાડે. આવું ચાર એક મહિના સુધી ચાલ્યું. મેં એને પ્રોત્સાહન આપવાનું ચાલુ જ રાખ્યું. એ ભલે મને લીટા કરી બતાવે, હું તેને સહી કરી આપતી અને સરસ બેટા એવું કહી માથા ઉપર હાથ ફેવરતી. તે મારા વર્તનથી ખુશ થતી. તેને બોલતા ન આવડે તો પણ ક્લાસમાં બોલવા ઉભી કરતી અને તેને ગમે તેવું કંઈક બોલાવતી. આમ કરવાથી પાચ મહિનામાં જ સારું પરિણામ જોવા મળ્યું. તે ૧ થી ૧૦ સુધીની એકડી બોલતી થઇ અને જોઇને આખી એકડી લખતી થઇ તેમજ સાદા શબ્દો પણ જોઈને લખે. શાળાના આચાર્ય બેન અને શાળાનો સ્ટાફ પણ ખુબ ખુશ થયા અને કહ્યું કે અમે પાચ વર્ષમાં જે કામ ન કરી શક્યા તે તમે પાંચ મહિનામાં કરી બતાવ્યું. તે દીકરીના વાલી વિનોદભાઈ પટેલ પણ હર્ષાશ્રુ સાથે આભાર વ્યક્ત કરવા ઘણીવાર શાળામાં આવતા.

હાલમાં આ દીકરીને બધી જ ખબર પડે છે. તે સદા મુળાક્ષરો વાચી-લખી શકે છે અને કોઈકના જોડે એની ભાષામાં સારી રીતે વાત પણ કરી શકે છે. હું તેના પિતા સાથે ક્યારેક ફોન પર વાત પણ કરું છું અને તેની માહિતી લેતી રહું છું. તે કહેતા કે મારી દીકરીમાં જે પરિણામ જોવા મળ્યું છે તે શ્રી .ડો .કે .આર. શ્રોફ ફાઉન્ડેશનની ટીમ અને શાળાના સહયોગથી મળ્યું છે. હું તે બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું.