કપિલભાઈની કરામત : યુગ

હસમુખભાઇ સુતરીયા, ગામ-ચિત્રોડા, ઇડર.

મારું નામ હસમુખભાઈ સુતરીયા છે. હું ઈડર તાલુકાના ચિત્રોડા ગામનો વતની છું. છેલ્લા 2 વર્ષથી ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનમાં ઇ.સી. તરીકે ફરજ બજાવું છું. હું વાત કરું છું મારા દિકરા યુગની. તે શ્રી એમ. આર. વ્યાસ હાઇસ્કૂલ ચિત્રોડામાં અભ્યાસ કરે છે. મારા ઘરની વાત કરું તો મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. મારા એક પગમાં બે વખત ઓપરેશન કરાવેલ છે. તેથી વધુ પડતું કામ હું કરી શકું તેમ નથી.

મારો દિકરો યુગ ભણવામાં હોંશિયાર છે. પરંતુ તેનો ભણવાનો ખર્ચ પહોંચી વળવા હું અક્ષમ હોવાથી તે એન.એમ.એમ.એસ.ની પરીક્ષા પાસ કરે તે અમારા માટે ખૂબ જ જરૂરી હતું. તે પરીક્ષામાં માત્ર ઉત્તીર્ણ જ નહીં પણ, શિષ્યવૃત્તિ પણ મેળવી શકે તે માટે માર ગામના જ વતની શ્રી કપિલભાઈ જેઓ, ફાઉન્ડેશનમાં નોકરી કરે છે તેમણે મારા દિકરાને પોતાના વર્ગમાં બેસવા દઈને વધુ તૈયારી કરાવી. યુગને વર્ગમાં જે દાખલા કે આકૃતિઓમાં ખ્યાલ ન આવતો તો તે વ્યક્તિગત કપિલભાઈના ઘરે જઈને શીખતો અને કપિલભાઈ પણ વધુ સમય આપી તેને હોંશભેર શીખવતા. આ સમયગાળા દરમ્યાન યુગ ડેન્ગ્યુમાં પટકાતા કપિલભાઈ રૂબરૂ મારા ઘરે આવી શીખવતા. જાણે અમારા પરિવારના એક સદસ્ય હોય તેમ કપિલભાઈ મારા દીકરાની ચિંતા કરતા અને સતત માર્ગદર્શન પૂરું પાડતાં. આજે સંસ્થા અને કપિલભાઈના અથાગ પ્રયત્નોથી મારો યુગ એન.એમ.એમ.એસ.ની પરીક્ષા 127 માર્ક્સ સાથે પાસ થઈ મેરીટમાં આવ્યો છે. દર મહિને તેને જે રૂપિયા શિષ્યવૃત્તિ પેટે મળશે તેની પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. જે તેના માટે ભણવાના ખર્ચમાં અમને ખૂબ જ મદદરૂપ થશે. ખરેખર ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના કારણે જ મારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી શકી અને મારો દિકરો યુગ આગળનો અભ્યાસ કરી શકે તે શક્ય બન્યું છે. ખરેખ મારા યુગ જેવા ઘણા બાળકોને ડો. કે. આર. શ્રોફ સંસ્થા દ્વારા ખૂબ જ સહકાર પ્રાપ્ત થાય છે. આવી સંસ્થાના વડા વંદનીય છે. દિલથી આભાર...