ધ્રુવી,ધ્રુવનો તારો

આપણી સંસ્થા દ્વારા છેલ્લા ૭ વર્ષથી વિજયનગર તાલુકાના ચિઠોડા ગામની પ્રાથમિક શાળા નંબર-૨ માં શૈક્ષણીક કામગીરી કરવામાં આવી રહી છે. અહી શરૂઆતમાં સરોજબેન ડામરા અને ત્યારબાદ ૨૦૧૭-૧૮ના વર્ષમાં જીતેશભાઈ પરમાર ફરજ બજાવતા હતા. આ બે મિત્રોએ શાળામાં ખુબજ પ્રશંસનીય શૈક્ષણીક કામગીરી બજાવેલ છે.

મારે આજે ધ્રુવી નામની એક એવી દિકરીની વાત કરવી છે જેનું જીવન ખુબજ સંઘર્ષ ભરેલું છે, સંજોગોને ટક્કર આપવાની વાત પણ એટલી જ કઠીન છે. ધ્રુવી આપણા ઇ.સી. જીતેશભાઈ પરમાર જોડે ધો ૫ થી ૭ માં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય શીખી છે. ધ્રુવીને આ બાબતે પૂછતા ધ્રુવી કહે છે કે “હું જીતેશભાઈ જોડે જે પાયાનું ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શીખી છું તે મને ધો ૮ અને ૯ માં ખૂબ જ કામ લાગ્યું છે અને હવે આગળ પણ તે કામ લાગશે. જીતેશભાઈ અમને અવનવી પદ્ધતિથી શીખવતા અને આ ઉપરાંત  વિજ્ઞાનમાં અવનવા પ્રયોગ કરાવતા. ક્યારેક તો હું જ તેમને પ્રયોગમાં મદદ કરવા ઉભી થઇ જતી, જીતેશભાઈ પ્રયોગ દ્વારા અમને સમજાવતા ત્યારે મને વધારે ખબર પડતી હતી. અંગ્રેજીમાં અમને અવનવી પ્રવૃત્તિ કરાવતા અને કાર્ડ દ્વારા શીખવતા. આમ, મને અઘરા લગતા વિષયો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી હવે મને ખુબ જ સરળ લાગે છે.”

હવે માંડીને વાત કરું તો જેવું એનું નામ છે એવા તેના ગુણ છે. ધ્રુવના તારાની જેમ એનો આત્મવિશ્વાસ અડગ છે. અભ્યાસ હોય કે કોઈપણ સ્પર્ધા અથવા પ્રવૃત્તિ, એ હંમેશા આગળ! ભણવામાં પણ ધ્રુવી ખૂબ હોશિયાર છે. કમી છે તો માતાપિતાની. સંજોગોવશાત નાની ઉમરમાં તેણે માતપિતાની છત્રછાયા ગુમાવવી પડી.

હાલમાં તેનાં નાની તેનું પાલન-પોષણ કરી રહ્યા છે. ધ્રુવી સતત કોઈકને કોઈક કાર્યમાં પરોવાયેલી રહે. આપણા મિત્રોને આ વાતની ખબર પડતા તે ધ્રુવી જોડે પ્રેમથી વાતો કરવા લાગ્યા અને તેને સતત માર્ગદર્શન આપવા લાગ્યા. ધ્રુવી ભણવામાં હોશિયાર બનતી ગઈ અને ખાસ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયમાં આપણા ઇસી જોડે તે વધુ ને વધુ શીખતી ગઈ. 

તેના નાની દૂર દ્રષ્ટા છે; જીવનના ઉચ્ચ સપનાઓ દેખાડે છે. ધ્રુવીને હંમેશા કહેતાં હોય છે,” તું ભણી ગણીને બહુ મોટી અધિકારી બનીશ, તો તું સમાજને એક ચોક્કસ રાહ ચીંધી શકીશ.' નાનીમાનું આ હિંમતભર્યું કથન તેણે મનમાં ગાંઠ વાળી લીધું છે અને એક સપનું સેવ્યું છે - મોટી થઈને પોલીસ અધિકારી બનવાનું.  તેણે સપનું ફક્ત જોયું જ નથી; તેને પૂરું કરવા માટે એ મક્કમ, ઉત્સાહી અને આત્મવિશ્વાસુ પણ છે. અત્યારથી જ એ ખૂબ મહેનત અને લગનથી અભ્યાસ કરી રહી છે. હંમેશાં એક જ વાત કરે છે કે મારે એસપી જ બનવું છે અને ગુનાઓ થતા અટકાવીને મારા સમાજને આગળ લઇ જવો છે.  

ધ્રુવી જ્યારથી આપણા મિત્રો પાસેથી ગણિત અને વિજ્ઞાન શીખી છે ત્યારથી તેના મનગમતા વિષયો ગણિત અને વિજ્ઞાન બની ગયા છે. 

ઈશ્વરને એટલી પ્રાર્થના છે કે આ બાળકીનું પોલીસ અધિકારી બનવાનું સપનું પૂરું થાય, ધ્રુવી સમાજ માટે ખરેખર પોતાના લક્ષને પામવા માટે અડગ મને પ્રયત્ન કરી રહી છે.