માનવતા મરી પરવારી નથી

કપિલા પ્રજાપતિ, ફાઉન્ડેશન શિક્ષક,ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન, સાબરકાંઠા

માનવતાનો અદ્દભુત પરચો, અમને ઇશ્વરે આપ્યો. જ્યારે પોતાના સાથી મિત્રનો જીવ જાેખમમાં હોય ત્યારે બાળકો હિંમત અને ધીરજનો જે અભૂતપૂર્વ સમન્વય સાધી શકે છે એની ઝાંખી થઇ. હું ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનનાં એજ્યુકેશન કોઓર્ડીનેટર તરીકે ભૂતિયા પ્રાથમિક શાળામાં કામ કરુ છું.

મારા ગામનું નામ જરા અટપટુ છે. ભૂતિયા ગામ. નામ કેવી રીતે પડ્યું એતો ખબર નથી, પણ ગામ ભૂતિયું જરાય નથી. મૂળ મુદ્દા પર આવતા પહેલાં ગામ વિશે થોડુ જાણવું જરૂરી છે. આ ગામમા ખેતી મુખ્ય છે. ખેતી માટેનું પાણી ઉપરવાસમાં આવેલા લીલાવંટા ગામમાં બનેલ ડેમમાંથી કેનાલ થકી આવે છે. આ કેનાલ અમારી શાળાની પાછળ થઇને જ જાય છે. કેનાલમાં વચ્ચે થોડા થોડા અંતરે ફર્માવાળા નાના કૂવા છે, જ્યાં ખેડૂતો મશીન લગાવી પોતાના ખેતરમાં સિંચાઇ કરે છે. આ કેનાલમાં પાણી ન હોય ત્યારે છોરાઓ એમાં રમતાં હોય છે. એ કૂવામાં સરકવાની, ગોળ-ગોળ ફરવાની એમને મજા આવે છે.

હવે બન્યું એવુ કે, કેનાલ ખાલી જાેઇને ચોથા ધોરણમાં ભણતાં બે છોકરાઓ રવિ અને દિનેશ એમાં રમવા ઉતર્યા. બંને છોકરાઓ ભરપૂર મસ્તી કરતાં હતાં. એવામાં કેનાલમાં ધસમસતું પાણી આવી પહોચ્યું. રવી તો ફટાફટ ઉપર ચઢી ગયો પણ, દિનેશ અચાનક આવેલું પાણી જાેઇને ગભરાઇ ગયો. પછીથી ચડવાની કોશીશ કરી પણ ચડી ન શક્યો અને કુવામાં ફસાઇ ગયો. તે એક સળીયો પકડીને પોતાને ટકાવી રહ્યો હતો. રવીએ તેનો એક હાથ પકડી રાખ્યો અને કાઢવાની કોશીશ કરવા માંડ્યો. પણ કેમેય કરીને એ બહાર નીકળી શકતો જ નહતો. બંને છોકરાઓએ ખૂબ બૂમાબૂમ કરી મૂકી, પણ કોઇ સાંભળનાર હતું નહીં. સ્કુલ તો ચાલુ હતી, પણ બધા વર્ગમાં હતાં, રવિ અને દિનેશતો સ્કુલમાં પહેલી જે નાની રીસેસ પડે છે એમાં જ અહીં આવી ચડેલાં, એટલે કોઇને એની ખબરેય ન હતી. સ્કુલમાં, બહાર કોઇ હોય તો મદદે આવેને! લગભગ એક કલાક સુધી બંને છોકરાઓ ખૂબ મથ્યા, બૂમો પાડતાં રહ્યાં પણ કોઇને સંભળાયું નહીં, એવામાં અચાનક ત્રણ છોકરાઓ વિશાલ, અભય અને દિલીપ ત્યાં આવી ચડ્યા. તેમને તો કોઇ ભનક પણ ન હતી કે, અહીં શુ સમસ્યા આવી પડી છે? તેઓ તો રીસેસમાં રોજ આવે એમ આ દિવસે પણ ફરવા આવ્યા. પણ, અહીં આવ્યા પછી તો કારમી ચીસો સંભળાઇ, “કોઇ બચાવો, મને બહાર કાઢો.” અવાજની દિશામા દોડ્યાં તો જાેયુ કે અહીં જીંદગી અને મોતનો ખેલ રચાયો છે.

દિનેશ તો પ્રયત્નો કરી કરીને અત્યંત થાકી ગયેલો, પણ અચાનક કોઇ મદદ માટે આવેલ જાેઇને એનામાં પણ જાેશ આવી ગયો. આ ચારેય છોકરાઓ તો મંડ્યા, દિનેશને બહાર કાઢવા કોશિશો કરતાં હતાં, પણ દિનેશનું બહાર નિકળવું કઠિન બનતુ જતું હતું. દિનેશ તો ગાળો પણ બોલવા માંડ્યો. એક પળ તો વિશાલ ને થયું કે અમે તેને મદદ કરવાં આવ્યાં છીએ તો એ ગાળો કેમ બોલે છે? પણ, અભયને તરત તેનાં ટીચરે લાઇફ ક્લાસમાં કહેલી વાત યાદ આવી, “જીવનમાં ડગલેને પગલે પસંદગીઓ હોય છે, આપણે સાચી પસંદગી કરતા શીખવાનું છે.” અભયે વિશાલને સમજાવ્યુ, “આપણે અહી ગાળ સાંભળીને દુઃખી થવાની કે દિનેશની ભૂલ કાઢવાની પસંદગી કરવાની નથી, પરંતુ એનો જીવ બચાવવાની પસંદગી કરવાની છે.” પછી તો એ ત્રણેય જણા કશી પરવા કર્યા વિના દિનેશને ખેંચવા માંડ્યા, આખરે દિનેશ બહાર આવી શક્યો. બધાઆ રાહતનો દમ લીધો. એક દુર્ઘટના થતાં થતાં રહી ગઇ, ખરા સમયે દિનેશને મદદ મળી ગઇ.

એ કહેવાની જરૂર નથી કે દિનેશના માતાપિતાની શું હાલત હશે. જ્યારે ખબર પડી કે તેમના એકના એક દિકરાનો જીવ બચી ગયો હતો. આ ચારેય બાળકો, રવિ, વિશાલ, અભય, અને દિલીપનું શાળામાં તાળીઓના ગડગડાટ અને પ્રસંશાની વર્ષાથી સન્માન થયું, આ વિરલાઓએ પોતાની પાછળ એક છાપ છોડી છે. બીજા બાળકો માટે એક પ્રેરણાત્મક આઇકોન બની ગયાં છે. કોઇનો જીવ બચાવવો એનાથી રૂડું માનવતાનું બીજુ કામ, શું હોઇ શકે ?