એક સારો શિક્ષક સો મા ની ગરજ સારે

નિમિષા પ્રજાપતિ, ફાઉન્ડેશન શિક્ષક, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન, સાબરકાંઠા

મારું નાનકડું ગામ થુરાવાસ, ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લાનાં વડાલી તાલુકામાં આવેલું છે. ગામની પ્રાથમિક શાળામાં હું ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના એજ્યુકેશન કોઓર્ડિનેટર તરીકે કામ કરૂ છું. મેં ૨૦૧૭માં અહીં જાેડાઇને ધોરણ ૬ - ૭માં  વિજ્ઞાનના વર્ગ લેવાનું શરૂ કર્યુ. 

મારા વર્ગમાં હમેંશા ચર્ચા-વિચારણા ચાલતી હોય, મોટા ભાગના બાળકો ઉત્સાહથી ભાગ લે, જવાબો આપે, સવાલો કરે. પણ, ઘણા વખતથી મેં નોટીસ કર્યુ કે અંબા એક એવી છોકરી છે જે વર્ગમા ચૂપચાપ બેસી રહે છે, કંઇ બોલતી જ નથી. એટલું જ નહીં, એનો ચહેરો પણ હસતો ન દેખાય. તે સ્વભાવે એકદમ શાંત હતી, ગુસ્સો પણ ન કરે. અંતર્મુખી બાળકો ઓછા ભળતાં હોય છે, પણ અહીં મને કંઇક અલગ લાગ્યું. એનું એકલાં-અટૂલા રહેવું મને ખટકતું હતું.

દર વખતે જ્યારે ટેસ્ટ લેવાય ત્યારે તેના ૪૦ માંથી ૩-૪ માર્કસ જ આવે. હું સ્પેશ્યલી પણ તેને અલગ સમયમાં સમજાવવાની કોશિશ કરું તો સમજે નહીં. એક દિવસ મારાથી એના પર ગુસ્સો થઇ ગયો. એ રડવા માંડી. મને ઘણો પસ્તાવો થયો, હું તેની પાસે બેઠી, પાણી પીવડાવ્યુ, રડતી બંધ કરી. પછી પુછ્યું,  “તને કોઇ તકલીફ છે? તું કેમ આટલી ઉદાસ રહે છે?” કોઇના જાેડે વાતચીત પણ નથી કરતી, કાયમ એકલી બેસીરહે છે.” થોડી વાર રહીને અંબા બોલી, “બેન, અમે ચાર બહેનો અને એક ભાઇ છીએ ઘરની હાલત સારી નથી માબાપ આખો દિવસ મજૂરીએ જાય છે, ઘરનું બધું કામ કરવાનું, જમવાનું  બનાવવાનું, વાસીંદા કરવાનાં અને ભાઇને પણ રાખવાનો, બધુ મારા માથે જ છે. હું ખૂબ થાકી જાઉં છુ, મને શાળાએ આવવાનું પણ મન નથી થતું, ભણવાનું મન નથી થતું. ઘણી વખત તો હું જમ્યા વગર શાળાએ આવું છું.”

અંબાના શબ્દો મને ઘેરી અસર કરી ગયા, ખૂબ દુઃખ થયું, મેં શાંતચિત્તે નક્કીકર્યુ કે આ છોકરીને હું વધારેસમય આપીશ. એની પાસે બેસીને સમજાવ્યુ,“તારા ઘરની પરિસ્થિતિ તો હું બદલી શકુ એમ નથી, પણ તને અભ્યાસમાં મદદ જરૂર કરી શકુ છુ વર્ગની બાકી છોકરીા પણ ઘણી સરસ છે તું એમની સાથે જમવાનું શરૂ કરી શકે ? એમની સાથે રમી ન શકે ?” મેં વર્ગની બાકી છોકરીઓને પણ બોલાવી અને કહ્યું,“તમારે અંબાને તમારી સાથે રાખવાની, રમાડવાની, સાથે જમવા બેસવાનું, એને એકલી નહીં પડવા દેવાની”  વર્ગની છોકરીઓએ પણ કહેલું વચન પાળ્યુ. અંબા ના પાડે તો પણ તેને સાથે ખેંચી જાય, એનીસાથે કોઈક તો હોય જ. જમવામાં પણ સાથે જ હોય અંબા હવે રીશેશમાં પણ રમવા જવા માંડી, પછીતો બધી છોકરીઓ સાથે તેના ખૂબ સરસ બહેનપણા થઇ ગયા. રમતમાં તો એ ચિચિયારીઓ પાડે ત્યારે એને જાેવું એક લ્હાવો થઇ પડે, અંબા હવે થોડું થોડું હસવા પણ માંડી હતી. શાળાએ આવવાનું એને ગમવા માંડયુ બીજા સાથે તેને હસતા, રમતા, વાતચીત કરતાં જાેવું એ મારા માટે અત્યંત આનંદની વાત હતી.

મેં તેને આશ્વાસન આપ્યુ હતું કે, એ જ્યારે પણ વર્ગમા જવાબ આપવા ઉભી થાય, બીજા મજાક નહી ઉડાવે અને જવાબ ખોટો હોય તો પણ હું કંઇ નહી કહુ. પહેલા એ ઘણી ગભરાતી, પણ આશ્વાસન આપ્યા પછી એનો ડર ઓછો થવા માંડ્યો હતો, હિંમત કરીને એ ઉભી થતી અને બોલતી થઇ. હવે તો એવો સમય આવ્યો કે, હું સવાલ પુછુ તો ઘણી વખત આંગળી પણ ઉંચી કરે છે. સાચા જવાબ પણ આપે છે. શાળાનાં શિક્ષકોએ પણ એમાં આવેલ પરિવર્તનની નોંધ લીધી. અંબા હવે એકલી-અટુલી બેસી રહેતી નથી. હસ્તી-રમતી હોય છે.

એક શિક્ષક તરીકે મારી જીંદગીનો આ એક સુખદ અનુભવ રહ્યો, બાળકને લાગણીથી સમજાવવાનો પ્રયત્ન કરીએ અને પ્રેમનું સિંચન કરીએ તો બાળકમાં હકારાત્મક પરિવર્તન આવે જ છે.