કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય

ડૉ.કે.આર. શ્રોફ ફાઉન્ડેશન, અમદાવાદ

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના શિક્ષણને સમર્પિત, એક સેવાભાવી શિક્ષકઃ કુદરતનો ઉપયોગ કરીને, પોતાના પૈસા ઉમેરી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને બાળકોનો સર્વાંગી વિકાસ કરી રહ્યાં છે. ગુજરાતમાં આવેલા નર્મદા જિલ્લા પર કુદરતની અખૂટ મહેર છે! ચારે તરફ વનરાજીઓ, ઝરણાંઓ અને સાતપુડાની ગિરિમાળા. પ્રકૃતિથી ઘેરાયેલ આ પ્રદેશની એંશી ટકા પ્રજા ખેતી અને ખેતી આધારીત ઉદ્યોગો પર નભે છે. કુદરતથી ઘેરાયેલ હોય અહીંની પ્રજા ઘણું સાદગીભર્યુ જીવન જીવે છે. અહીંની હરીયાળીને યથાવત રાખવામાં આ આદિવાસી કોમનો ઘણો મોટો ફાળો છે! પ્રકૃતિપ્રેમી, આ લોકો એમની જ મસ્તીમાં હોય છે! બહારનાં જગત સાથે લેવા દેવા નહિવત હોઇ અહીં દૂર દૂરનાં અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ પ્રત્યેનું વલણ ઉદાસીન જાેવા મળે છે. છોકરાઓ શાળાએ આવે છે પણ, છોકરીઓને મોકલવામાં માબાપ હજી પણ આનાકાની કરે છે. તદુપરાંત, આઠમા ધોરણથી આગળ ભણવવા પરત્વે પણ જાેઇએ એવી જાગરૂકતા નથી. એટલે શિક્ષા બાબતે સમગ્રપણે જાગૃતિ લાવવી એ એક પડકાર છે. બીજી બાજુ, પહાડો અને જંગલોથી ઘેરાયેલ આ પ્રદેશમાં શાળાનું સારુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, એ બીજાે મોટો પડકાર છે. પોતાના આગવા પડકારોથી ઘેરાયેલ વાતાવરણમાંથી ભારજીભાઇ શિક્ષક પણ આવે છે. શાળાનાં મર્યાદિત સમયમાં બાળકોને ભણાવવાનું કામ કરીને નીકળી જવું એવી દિનચર્યા ભારજીભાઇ શિક્ષકની નથી. ભારજીભાઈ માથાસર ગામમા રહે છે અને પાનખલા પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. ઘણું બધુ ટ્રાવેલ કરીને ડેઇલી પાનખલા જવું અને એટલું જ ટ્રાવેલ કરીને પાછું આવવુ એ ભારજીભાઇ માટે હંમેશની બાબત છે. આખો દિવસ કામ કરીને અને ઘણું ટ્રાવેલ કરીને આવ્યાં પછી પણ ભારજીભાઇ તમને ઘરે જાેવા ન મળે, સાંજ પડયે એ તો દેખાય તમને માથાસર પ્રાથમિક શાળાના આંગણમાં!

યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય તો ભણવું અને ભણાવવાવું બંને કઠિન થઇ પડે છે.

એટલે જ તો રોજ સાંજે ભારજીભાઇ શાળાએ આવી જાય છે, શાળાની ફરતે વાડ બનાવવાનુ એમનું કામ ચાલુ થઇ જાય છે. વાડ હોય તો બાળકો નિર્ભયતાથી ભણી શકે. કોઇ જંગલી પશુ કે પછી બીજું જાનવર ઘુસી ન જાય, એ સુનિશ્ચિત કરવા એમણે વાડ બનાવવાનુ કામ હાથ પર લીધુ છે. કોઇની એક પણ રૂપિયાની મદદ વિના, ભારજીભાઇ આ કામ કરે છે. શાળા અને ગામલોકોને એમણે કહી દીધુ છે, “કોઇ  મને સાથ આપે કે ન આપે હું આપણાં ગામની શાળાની ફરતે વાડ બનાવીને જ જંપીશ”. વાડ બનાવવા માટે મટીરીયલ એકઠું કરવા એ જંગલમાં જતાં રહે છે. મોટા મોટા લાકડાઓ, પથ્થર વગેરે વીણી લાવે છે, મોટા ભાગનું મટીરીયલ કુદરતમાંથી મેળવી લે છે! બાકી જે ખર્ચાે થાય એ પોતે ભોગવે છે.  શાળાનો દરવાજાે એમણે સરસ મજાનો બનાવી દીધો છે. નકામી ઇંટોના ઉયોગથી ચંપલ મુકવાનું એક નાનકડુ સ્ટેન્ડ પણ બનાવ્યુ છે.

ભારજીભાઇએ એક નેમ લીધી છે. માથાસર પ્રાથમિક શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ બને તેમ વધુને વધુ સવલવતો ભર્યુ બનાવવું. 

કારણ? એક નાનકડી બાબત પરથી તમને આ વિસ્તારની કઠણાઇઓનો અંદાજાે આવી જશે. જાે તમારે ભારજીભાઇને ફોન કરવો હોય તો પહેલાં એમને એસ.એમ.એસ. કરવો પડે કે મારે તમારી સાથે વાત કરવી છે. ભારજીભાઇને મેસેજ મળે એટલે એ નજીકના ડુંગર પર જાય અને મોબાઈલ ટાવરનું કનેક્શન આવે એવી જગ્યાએ ઉભા રહીને ફોન લગાવે! બીજી કઠણાઇ એ છે કે માથસર પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવા માટે એક જ શિક્ષક છે! એટલે જ ફાઉન્ડેશનનાં શિક્ષક પૂરકરૂપે કામગીરી બજાવી શાળાને મદદરૂપ થવાની કોશિશ કરે છે, શિક્ષકોની અછત અને કુદરતી પડકારો વચ્ચે બાળકોનું ભણતર અટવાઇ ન જાય એ માટે ભારજીભાઇ અવિરત પ્રયાસો કર્યે જાય છે.

બે શાળાઓ માટે કામ કરવા પાછળ ભારજીભાઇની અલગ જ કહાણી છે. માથાસર ગામના વતની ભારજીભાઇ પહેલાં માથાસર પ્રાથમિક શાળામાં જ ફાઉન્ડેશનનાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. જ્યારે ભારજીભાઇના પત્નીને પાનખલા પ્રાથમિક શાળામાં ફાઉન્ડેશનના શિક્ષક તરીકે નોકરી મળી તો શાળા ઘણી દૂર હોઇ, ભારજીભાઇએ રોજ એમને મૂકવા-લેવા જવાનું થતું. આવવા-જવામાં ઘણો સમય જતો હોવાથી એમના પત્નીને પણ ઘર અને સર્વિસ બંને મેનેજ કરવામા તકલીફ પડતી. તદુપરાંત ભારજીભાઇનો પણ ઘણો સમય ટ્રાવેલીંગમાં નીકળી જતો. દંપતિની સુવિધા માટે ફાઉન્ડેશને એમના પત્નીને માથાસરમાં અને એમને પાનખલા પ્રાથમિક શાળામાં શીફ્ટ કર્યા. શાળા ભલે બદલાઇ પણ ભારજીભાઇએ નેમ ન બદલી. આમ, માથાસર પ્રાથમિક શાળાનાં વિકાસ પર અલ્પવિરામ ન લાગ્યુ. સાંજ પડ્યે શાળાએ જવાનો નિત્યક્રમ ચાલુ રહ્યો. સરપંચ સાથે વાત કરીને એમણે શાળામાં પાણીની ટાંકી મૂકાવી દીધી, જેથી પાણીની સમસ્યા પણ હલ થઇ ગઇ. ગામમાં વિજળીની પણ ઘણી સમસ્યા રહેતી. છેલ્લા એક વર્ષથી આખો-આખો દિવસ લાઇટ જતી. પૂરો દિવસ લાઇટ ન હોય તો, અંધારામાં બાળકો ભણે કેવી રીતે? ભારજીભાઇએ જાતે જી.ઇ.બી.માં અરજી કરી, ઘણા ધક્કા ખાધા, અધિકારીઓ સાથે ઘણી મસલતો પણ કરી. આખરે અધિકારીઓ પણ એમને સમજ્યા અને વિજળીની સમસ્યા પણ હલ થઇ ગઇ. સરપંચ સાહેબને એમણે એક વાયદો કર્યાે છે કે, મહિને મહિને મારે શાળામાં સુધારા લાવી બતાવવા.

વેકેશનમાં પણ બાળકોને શીખવાનું ચાલુ રહે તે માટે ભારજીભાઇ શાળામાં સમર કેમ્પ કરે છે. દૂર દૂર ના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ, બાળકો આવે છે. અલગ-અલગ પ્રકારની સર્જનાત્મક અને ઉપયોગાત્મક પ્રવૃતિઓ શીખવાડે છે. જેમકે, ખાખરા નામનું વૃક્ષ હોય છે. જેના મોટા મોટા પાન હોય તો એના પાનને સીવીને થાળી અને બીજા પાત્ર બનાવવા વગેરે. જમતી વખતે પોતે બનાવેલ થાળીમાંજ જમવાનો આનંદ લેવાનો. (ફોટોમા તમે જાેઇ શકો છો) આવું તો ઘણું બધું એ શીખવાડે છે. શીખવાડવા માટે તો ભારજીભાઇ તત્પર જ હોય છે પરંતુ, એમના ભોજનનું શું? કારણ કે શાળા ચાલુ હોય ત્યારે મધ્યાહન ભોજનની વ્યવસ્થા હોય છે. પરંતુ શાળા બંધ હોય ત્યારે શું કરવાનું? ભારતીભાઇએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો. એમના સર્કલમાં એ એક કૂહાર નાખે છે અને દાન મેળવે છે. ઘણા ઉત્સાહી યુવાનો નાણાંકીય મદદ કરે છે, ગામ લોકોમાંથી પણ કોઇ ચોખા આપે, કોઇ બટાકા આપેે, એમ બધી વ્યવસ્થા કરી દે છે. ખૂટતા પૈસા એ પોતે ઉમેરી દે છે! પણ શિક્ષણનું કામ અટકવા દેતાં નથી. બીજું, ગામમાં ફક્ત પ્રાથમિક શિક્ષણ સુધીની જ વ્યવસ્થા છે. ભારજીભાઇ બાળકોને ન કેવળ વધુ ભણવા માટે પ્રોત્સાહિત કરે છે પણ, એમને યોગ્ય માર્ગદર્શન પણ આપે છે. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય એવાં બાળકોને ભારજીભાઇ આસપાસની આશ્રમ શાળાઓ અને ટ્ર્‌સ્ટની શાળાઓમાં એડમીશન અપાવે છે. એમનાં ગામની બે છોકરીઓ ડેડીયાપાડા આશ્રમ શાળામાં ભણે છે. જે છોકરાઓ પાંચમા ધોરણ પછી ઉઠી જતાં હોય, એમને આશ્રમ શાળામાં એડમીશન અપાવે છે. જેથી કોઇપણ ખલેલ વગર, એ એમનું ભણતર પુરું કરી શકે. જે બાળકોને આગળ એડમીશન મળતું ન હોય એમની ભલામણ, એ પોતે ભણેલ આશ્રમ શાળામાં કરે છે અને એડમીશન કરાવી આપે છે.

શિક્ષણ ઉપરાંત, ભારજીભાઇ વ્યસનમુક્તિનાં હિમાયતી છે. રોજ રાતે જ્યારે ગામ લોકો ભેગા થાય તો એ વ્યસનમુક્તિની વાત છેડી દે છે. આક્રમક્તાથી નહીં પણ કુનેહથી લોકોને સમજાવે છે. વ્યસનમુક્તિની એમની દલીલો પણ દમદાર હોય છે. ભારજીભાઇ કહે છે, “ભાઇ, તું ૨૦ રૂપિયાનું તમાકુ ખાય એના કરતા ૨૦ રૂપિયાનું દૂધ કે દહીં લાવે તો, તારું આખુ ઘર ખાય અને પોષણ પણ મળે.” દારુ વાળાને પણ દારુ નહીં, દૂધ-દહીં વેચવા સમજાવે છે. ખોટા રસ્તે ન જાય અને ભક્તિભાવ તરફ વળે એ માટે ભજન-સત્સંગ વગેરેનું પણ ક્યારેક આયોજન કરે છે. તમામ કોશીશો કરે છે ભારજીભાઇ, લોકોને સાચા રસ્તે વાળવાની. દિકરીઓને ભણવા બાબતે પણ વાલીઓનું ધ્યાન દોરે છે. સાચી વાત કહેવાં અને સાચું કરવા બદલ એ લોકોના મેણાટોણા પણ સાંભળે છે. પરંતુ એનાથી ચલિત થતા નથી, એમનું કામ કર્યે જાય છે. એમના પ્રયત્નોથી શાળામાં છોકરીઓની સંખ્યા પણ વધી છે.

બધાને અને મને ખુદને પણ , શિક્ષક બનવાનું મારું સપનુ ખરેખર તો અશક્ય જ લાગતું  હતું !

જ્યારે અમે એમને પુછ્યુ “આ બધું તમે કેમ કરો છો?” જવાબમાં ભારજીભાઇ બોલ્યા, “બેન હું નાનો હતો ત્યારે શિક્ષક બનવાનું સપનું સેવેલુ. ઘરની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે તો, એ ગજા બહારનું સપનું હતું. હું આટલું બધુ ભણી શકીશ કે કેમ, એક સવાલ હતો! પણ, સદનસીબે મને ગામની બહાર એક આશ્રમ શાળામાં ભણવા મળ્યુ. જીવનનાં સોળ વર્ષ, મે આંશ્રમ શાળામાં વિતાવ્યા છે. ૧૨ ધોરણ સુધીતો શાળાની સ્કોલરશીપથી જ ભણ્યો છું. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે પણ, હું એક આશ્રમ શાળાનાં ગૃહપતિ તરીકે નોકરી કરતો અને ભણતો. વેકેશનમાં મજૂરીએ જતો. એનાથી જે કંઇ પૈસા મળતાં એ ભણતર માટે વાપરતો, મનમાં નક્કી  હતું કે ભણવું છે તો મજૂરી તો કરવી જ પડશે. આમ કરતાં કરતાં મે બી.એડ. સુધીનું ભણતર પુરું કર્યું. શિક્ષક થયા પછી બધાં સહાધ્યીયો ગામથી દૂર શહેરમાં શિક્ષક તરીકે જાેડાઇ ગયા. પણ, મને થયુ કે ઓછો પગાર મળે તો કંઇજ નહીં પણ, હું ગામમાં જ ભણાવીશ. શહેરમાં તો ભણાવવાવાળા ઘણાં મળી રહેશે પણ, મારું ગામ રહી જશે. બસ ત્યારથી જ ગામમાં શિક્ષણની પ્રગતિમાં જાેડાઇ ગયો છું અને થાય એટલું કર્યે જાવ છું.”