યોગ્ય પ્રેરણા જીવન પ્રત્યેનો અભિગમ બદલી શકે છે

આશાબેન ડાભી, ઇ.સી. શ્રી કાલીદેવી પ્રાથમિક શાળા, પોશીના

આ વાર્તાની હકીકત ઇ.સી. આશાબેન ડાભી જાેડે ભણેલા પ્રિય બાળકની છે. આ બાળક શ્રી કાલીદેવી પ્રાથમિક શાળામાં પ્રિય બાળક હતુ, જ્યારે હું મીનીમમ લેવલના બાળકોને ભણાવતી હતી તેમાં ૪૦ બાળકો હતા. જ્યારે આ બાળક ક્લાસમાં ભણવા આવતો હતો ત્યારે તે ખૂબજ નબળો હતો અને રીશેષ પડે ત્યારે તે શાળામાંથી સંતાઇને ભાગી જતો હતો. તે કાંઇપણ શીખી શકે તેમ નહતો, પણ ધીરે ધીરે આપણી જુદી જુદી પ્રવૃતિઓ દ્વારા ભણાવતા તેને ભણવાની થોડી મજા આવતી જણાઇ. પણ, તે તેની ટેવ મુજબ શાળામાંથી ભાગી જતો હતો.

એક દિવસનો સમય હતો, મેં તે બાળકને જાેડે બેસાડ્યો અને પુછ્યું કે બેટા તારે ભણવું નથી? “બાળક મુંઝાયો અને કશું બોલ્યો નહીં. મેં ફરીથી સ્મિત સાથે કહ્યું, બેટા જાે તું ભણીશ તો તું સારી નોકરી કરીશ, અને સારા પૈસા મેળવીશ. જાે તું ભણીશ અને ખેતી કરીશ, તો પણ ખૂબ સારી રીતે ખેતી કરી શકીશ. કોઇ ધંધો પણ સારી રીતે કરી શકીશ. ત્યાર પછી મેં ગામનું જ એક ઉદાહરણ આપ્યુ કે જે બાળક મુકેશભાઇ ડાભી, નાની વયમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી, ઘરે ખાવા માટે પણ કશું ન હતુ. છતાં પણ તે ભણ્યો અને અત્યારે તે ગામમાં સારી રીતે ધંધો કરે છે.” ત્યાર પછી આ બળકને વાત સમજાઇ અને બોલ્યો બેન મારે ભણવું છે.

ત્યાર પછી આ બાળક હવે, નિયમિત અને સમયસર શાળાએ આવતો થયો અને હું જ્યારે “ઝીરો” તાસ લેતી હતી તે વખતે પણ આવી જતો. રીશેષ દરમ્યાન પણ કંઇક શીખતો હતો. તે પછી આ બાળકને ભણવામાં ખૂબજ રસ લાગ્યો હતો. આમ આ બાળક હવે વાંચનમાં દિવસે દિવસે  પ્રગતિ કરતો થયો. ઘરેથી દરરોજ લેશન પણ કરી લાવતો હતો. ત્યાર બાદ આ બાળકને ગણનમાં પણ રસ લાગ્યો.

શરૂઆતમાં આ બાળક ધો-૫માં હતો, ત્યારે મીનીમમ લેવલમાં પાયાનું શીખી રહ્યો હતો, ત્યાર પછી તે આગલા ધોરણમાં ગયો હતો. તેમ કરતા કરતા આ બાળક હાલ ધો-૧૦માં છે. અત્યારે આ બાળક બહું હોશિયાર છે. આમ, આ બાળકમાં ઘણું પરિવર્તન આવ્યુ છે.