ઉલટો પ્રવાહ – શહેરથી ગામડા તરફ

મહેશભાઈપટેલ, ક્લસ્ટર હેડ

કુબાધરોલ ગામમાં શ્રી કે. બી. પટેલ હાઇસ્કૂલ આવેલી છે. આ ગામમાં મોટા ભાગે પટેલ સમાજના લોકો રહે છે. ગામમાં શિક્ષણનું પ્રમાણ સારું અને ગામના લોકો પણ શિક્ષિત. આ ગામની હાઇસ્કૂલમાં ધોરણ 9 અને 10 ચાલે છે. પણ, એક મોટી સમસ્યા એ હતી કે શાળામાં શિક્ષકોનો પુરતો સ્ટાફ ન હોવાથી મોટા ભાગના વાલીઓ ખર્ચી શકે તેવા હોવા છતાં પોતાના બાળકોને શહેરમાં ભણવા મોકલતા હતા. આપણી સંસ્થા શિક્ષણ માટે કામ કરે છે તે શાળાના ઇનચાર્જ આચાર્ય પટેલ મહેન્દ્રભાઈને જાણ થતાં તેઓએ આપણી સંસ્થામાં સંપર્ક કર્યો. તે સમયે વર્ષ 2017માં હાઇસ્કૂલમાં ગણિત, વિજ્ઞાન ભણાવી શકે તે માટે પરેશભાઈ. ડી. પરમારને સંસ્થા દ્વારા હાઇસ્કૂલમાં નિમણુક કર્યા. સંસ્થાના શિક્ષક દ્વારા શાળાના શિક્ષકો સાથે મળી ખુબજ સારી કામગીરી કરવામાં આવી અને તે વર્ષે શાળાએ ધોરણ 10 બોર્ડનું પરિણામ 69.69% મેળવ્યું, જે તેના આગળના વર્ષમાં 53% જ હતું.

આપણા શિક્ષકની કામગીરી સરકારી શિક્ષકોએ સારી રીતે બિરદાવી અને ગામના લોકોએ પણ જાણ્યું કે સંસ્થા દ્વારા બાળકોને સતત માર્ગદર્શન, ટેસ્ટ, પ્રયોગો અને વિડીયો દ્વારા સારું શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે ગામના વાલીઓ પોતાના બાળકોને શહેરમાંથી ઉઠાવી ફરી પાછા ગામની શાળામાં ભણવા મુકવા લાગ્યા. બીજા વર્ષે શાળામાંથી અન્ય એક શિક્ષક પટેલ રમેશભાઈ સેવા નિવૃત થયા ત્યારે આખી શાળામાં એક ઇનચાર્જ આચાર્ય પટેલ મહેન્દ્રભાઈ અને બીજા આપણી સંસ્થાના શિક્ષક પરેશભાઈ એમ આ બે જ શિક્ષકો રહ્યા. મહેન્દ્રભાઈ અને ગામ લોકોના કહેવાથી બાળકોને અંગ્રેજી ભણાવી શકે તે માટે વધુ એક શિક્ષક વણકર ભાવેશભાઈને સંસ્થા દ્વારા ત્યાં કામગીરી સોંપવામાં આવી. અને તે વર્ષે શાળાનું ધોરણ 10 બોર્ડનું પરિણામ 83% આવ્યું અને હાઇસ્કૂલનો આખા તાલુકામાં બીજો નંબર આવ્યો.

શાળાના ઇનચાર્જ આચાર્ય પટેલ મહેન્દ્રભાઈ સંસ્થાની પ્રસંશામાં કેહતા કે આપણી આ હાઇસ્કૂલ તો ડો. કે. આર. શ્રોફ ફોઉન્ડેશન દ્વારા જ ચાલે છે.

ગામના માધ્યમિક શિક્ષણના વિકાસ માટે ગામલોકો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો હંમેશા ડો. કે. આર. શ્રોફ ફોઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા હોય છે.