ખેડબ્રહ્માના ખેડવાનું ખાનદાન ખોરડું

ઉદય દેસાઇ, ચીફ ઓપરેટીંગ ઓફિસર, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન

ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ખૂણે ખૂણે સુધી પહોંચે એ માટે અમે ૨૦૧૨થી પ્રયત્નશીલ છીએ અને કદાચ એટલે જ અમે એમની કઠણાઇઓથી વાકેફ છીએ. મોટા ભાગનાં માબાપ ખેતમજૂરીએ જતા હોય છે. સખત મજૂરી કરીને બે ટંકનું પેટીયું રળતાં હોય છે. તેમનુ કુટુંબ માબાપ અને ૪-૫ દિકરા દિકરીઓનું હોય છે. આ બાળકો શાળાએ નિયમિત આવે એ જ શિક્ષણ જગતનો મોટો પડકાર છે. એવામાં અમે બાળકો માટે ૮ દિવસનાં કેમ્પનું આયોજન કર્યુ હતું. છેક ચાણોદમાં આવેલ ઓએસિસ ઇન્સ્ટીટ્યુટમાં બાળકોને લઇ જવાનાં હતા અને ત્યાં જીવનના પાઠો શીખવાના હતા. બાળકોને ૮ દિવસ ખાવા-પીવાનો અને વડાલીથી ચાણોદ લઇ જવાનો ખર્ચાે ઘણો બધો આવતો હતો. ઘણો ખરો ખર્ચાે સંસ્થા ઉપાડવા તૈયાર હતી, પણ થોડો ખર્ચાે બાળકોના પક્ષે પણ હતો. બાળકો માટે અમે કેમ્પ ફી રૂા. ૧૫૦૦/- રાખી હતી, ૯૦ ટકા બાળકોની ફી આવી ગઇ, પરંતુ કેટલાક એવા બાળકો પણ હતા, જેમનાં માબાપ માટે આ રકમ ગજા બહારની વાત હતી. તેમના માટે સંસ્થાએ વ્યવસ્થા કરી દીધી, પરંતુ એમાં ઇશ્વર નામનાં બાળકનાં પરિવારે અમને વિચારમાં ગરકાવ કરી દીધા.

ઇશ્વર ખેડબ્રહ્માની ખેડવા પ્રાથમિક શાળામાં ૮માં ધોરણમાં ભણતો હતો. જ્યારે અમારા એજ્યુકેશન કોઓર્ડીનેટરે કેમ્પની વાત કરી તો એ ખૂબજ ઉત્સાહિત થઇ ગયો અને આવવા માટે તલપાપડ થઇ ગયો! પરંતુ ફી એ એક સમસ્યા હતી, સંસ્થાએ તો તેને કહ્યું કે તું જેટલી ફી આપે એટલી, અમે તને લઇ જઇશું અને ઇશ્વર કેમ્પમાં જવા તૈયાર થઇ ગયો. ત્યારબાદ, એક દિવસ હું અને મારી ટીમ કેટલાક બાળકોના ઘરે એમનાં વાલીની મુલાકાત લેવા ગયા હતા. મુલાકાતનો ઉદ્દેશ્ય તેમનાં બેકગ્રાઉન્ડથી વાકેફ થવાનો અને વાલીઓને બાળકોનું શિક્ષણ ચાલુ રાખવા સમજાવવાનો હતો. પરંતુ ત્યાં જે બન્યું, એ જાેઇને તો અમે તો આભા જ રહી ગયા.

અમે ઇશ્વરના ઘરે ગયા. માટીથી ચણેલ દિવાલો, નળિયાવાળી છત, આંગણે ઢાળેલ ખાટલા, માટીનો ચૂલો, આવું કંઇક ઇશ્વરનું ઘર હતું. ઘરના આંગણે બે બકરીઓ હતી. ઇશ્વરના માબાપ તો અમને જાેઇને ખૂબ આનંદિત થઇ ગયા અને ઉષ્માભર્યો આવકાર આપ્યો. અમે ઇશ્વરનાં ભણતર વિશે વાત કરતા હતા અને તેના પિતાએ પૂછ્યુ કે, “સાહેબ કેમ્પની ફી કેટલી છે?” અમે કહ્યું, “૧૫૦૦ રૂપિયા, પણ હવે તમે જવા દો કોઇ વાંધો નહીં,” અમારી આંખ સામે ઇશ્વરની માએ પટારો ખોલ્યો અને ૭૫૦ રૂપિયા હતા એ બધા અમારા હાથમાં મૂકી દીધા અને ઉપરથી એના પિતાજીએ કહ્યું, “બાકીના પણ હું ધીરે ધીરે ચૂકવી દઇશ.” અમે તો અવાક થઇ ગયા, “હવે શું કરશે એનો વિચાર કર્યા વગર, જેટલા પૈસા ઘરમાં હતા તે બધાજ આપી દીધા! કેટલી ખાનદાની છે આ કુટુંબની અને ઉપરથી કહે છે કે બાકીના ધીરે ધીરે ચૂકવી દઇશું! આ કેવાં પ્રકારનાં લોકો છે?”

મેં ઘણા લોકોને પારકે ભાણે આમંત્રણ વગર જમતાં જાેયા છે. કરોડપતિ હોવા છતાં સબસીડીની કે આરક્ષણની કે પછી મા કાર્ડની લાઇનમાં ઉભા રહેતાં જાેયા છે. પુષ્કળ પૈસા હોવા છતાં લેણદારોને ધક્કા ખવડાવતાં જાેયા છે અને એક, આ કુટુંબ છે જેના માટે કો’કનું નાનકડું ઋણ ચુકવવું એ કેટલું મહત્વનું છે! એ પણ ત્યારે કે જ્યારે એની કોઇ ઉઘરાણી પણ નથી કરી રહ્યું. જે ખાનદાન રોજનું પેટીયું રોજ રળતું હોય તેના માટે ૭૫૦ રૂપિયા તો અધધ કહેવાય અને એમણે એક ઝટકામાં આપી દીધા! સાંભળવામાં નાનીસૂની લાગતી આ ઘટનાએ મારા મન પર ઘેરી અસર કરી. માનવતામાં અદમ્ય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હું પાછો ફર્યાે.

આજે ઇશ્વર ૯માં ધોરણમાં ભણે છે. ગણિત અને વિજ્ઞાન એનાં મનગમતા વિષયો છે. સિવિલ એન્જીનીયર બનાવાનો એણે દ્રઢ નિર્ધાર કર્યાે છે.  તેનું લક્ષ્ય ઘણુ ઉંચુ છે પણ એને આંબવાના એના પ્રયત્નો પણ એટલાં જ સઘન છે. ૯માં ધોરણમાં છે પરંતુ રોજ રાતે ૧૨ વાગ્યા સુધી જાગીને અભ્યાસ કરે છે અને રોજ સવારે ૫ વાગે ઉઠી જાય છે. ભણવાનું બાકી રહી ગયું હોય તો ૪ વાગ્યે ઉઠતાં પણ એ અચકાતો નથી. જ્યારે એને પૂછવામાં આવ્યું, “તુ સિવિલ એન્જીનીયર બનવા માંગે છે તો એની વ્યવસ્થા કેવી રીતે કરીશ? ” એનો જવાબ એના માબાપના સંસ્કારોને છાજે એટલો પ્રસંશનીય હતો,“હું મહેનત કરીને શિષ્યવૃતિ મેળવીશ અને મારા માબાપ પણ એમનાંથી બનતું કરશે,” તેના આ જવાબમાં મને તેમની ખુદ્દારીનો રણકો સાંભળવા મળ્યો.

આ પરિવારને મળીને મેં ઘણા સુખદ આશ્ચર્યાે અનુભવ્યાં. ઇશ્વર એક સફળ વ્યક્તિ અને ઉમદા માનવી બનશે એમાં મને લેશમાત્ર શંકા નથી. આવા ખુદ્દારી અને ખુમારીથી છલકાતાં વ્યક્તિઓની હાજરી જ વિશ્વને ખુશીથી જીવવવા લાયક બનાવે છે.