તપીને સોનું થયેલ અખ્તરબાનુ

રાહુલ જાેષી, ફાઉન્ડેશન હેડ, સાબરકાંઠા

વાત ૨૦૧૨ ની છે. હું વડાલી તાલુકાના મોતીનગર ગામમાં ફાઉન્ડેશનના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યાં ધોરણ-૯માં અખ્તરબાનું નામની દિકરી આભ્યાસ કરતી હતી ભણવામાં તેજસ્વી અને શાળાની પ્રવૃતિઓમા આગળ પડતી! શાળાની કોઇપણ ઇવેન્ટ હોય કે પછી નાની-અમથી પ્રવૃતિ હોય અખ્તરબાનુંનું નેતૃત્વ હોય અને શાનદાર હોય! એટલું જ નહીં, શાળાનાં આચાર્ય અને શિક્ષકોને પણ અખ્તર પાસે ઘણી આશા હતી. દરેક વ્યક્તિને એમ લાગતું હતું કે આ દિકરી ભણીને ખૂબ આગળ વધવાની છે માટે એના વિકાસમાં આપણે શક્ય એટલું કરવું જ રહ્યું, પરંતુ અખ્તરનું જીવન એટલું સરળ ન હતું! બધા ભાઇ બહેનોમાં એ સૌથી મોટી એટલે ઘરના કામ કાજમાં મદદ કરવી, નાના ભાઇ બહેનોને સાચવવાં, ઘરની આર્થિક તંગીને પહોંચી વળવું અને ક્યારેક ખેતરોમાં મજૂરીએ જવું વગેરે એના માથે રહેતું જ. તેમ છતાં તેની ભણવા માટેની ધગશ અદ્દભુત હતી! ધોરણ ૯ અને ૧૦માં હું તેનો વર્ગ લેતો હતો, તેની વિજ્ઞાન પ્રવાહમાં જવાની અદમ્ય ઇચ્છા હતી. મને પણ એમ હતું કે, એ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે પણ મુસીબત તો તાકીને જ બેઠી હોય. એના ઘરની આર્થિક પરિસ્થિતિ ડામડોળ હતી અને તેના પિતા વિજ્ઞાન પ્રવાહની સાવ વિરુદ્ધ હતાં ! મેં ઘરે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કશું ન વળ્યું. પછી મેં મારા ઉપરી ગુણવંત સરને વાત કરી. ગુણવંત સર એના ઘરે મળવા ગયા. અખ્તરના પિતા રાજકોટ નોકરી કરતા હતાં, એટલે તેમને ફોન પર સમજાવવાની કોશિશ કરી પણ તે એક ના બે ન થયાં! પિતાની સંમતિ ન મળતાં આખરે અખ્તરે આટ્‌ર્સ પ્રવાહમા પ્રવેશ લીધો. પછી એની સાથે અમારો સંપર્ક તૂટી ગયો. અમે એમ સમજીને મન મનાવ્યું કે આવી પરિસ્થિતિમાં પણ અખ્તર ભણી રહી છે એ જાતે જ બહુ મોટી ઉપલબ્ધી છે! સાયન્સ નહીં પણ આટ્‌ર્સમા તો તેની કારકીર્દી ચોક્કસથી બનાવી જ લેશે.

બે વર્ષ પછી મને એ મળી. મારાં જ ગામ ડોભાડામાં મજૂરોને લઇ જતી, એક જીપ જતી હતી અને મેં તેને જીપની ઉપર બેસીને જતાં જાેઇ! મારાં અંતરમાં ઘણી વેદના થઇ, “જે દિકરી ગામનો ઝળહળતો સિતારો હતી, એ આમ મજૂરીએ?” આંખમાં પાણી આવ્યાં, મે તેને બોલાવીને પૂછ્યુ,“દિકરી શું થયું? આમ મજૂરીએ કેમ જવું પડ્યું? અને ભણવાનું શું થયું?” અખ્તરે જવાબ આપ્યો, “ભણવું એ, હજી મારી ઇચ્છા છે અને ગમે તે ભોગે ભણીને જ રહીશ. મારે અંગ્રેજી વિષય સાથે બી.એ. કરવું છે અને કોલેજના પહેલા વર્ષમાં મેં પ્રવેશ લઇ લીધો છે. પણ, ઘરમાં પુરું થતું નથી, એટલે આ કપાસનાં પ્લોટમાં બિયારણ બાંધવાની મજૂરીએ આવું છું ”

મે પૂછ્યું, “ભણવાનું બગડતું નથી?” એ બોલી “બગડે છે, પણ આના સિવાય છૂટકો નથી.” મને લાગ્યું કે જાે એ આ રીતે મજૂરીએ જશે, તો પરિવારને પૈસા મળશે અને શક્ય છે કે નિયમિત મજૂરીની આવકને કારણે પરિવાર તેને ભણવાનું છોડાવી દેશે. કદાચ વખત આવ્યે કોઇ એક મજૂર જાેડે પરણાવી પણ દે, અખ્તરનાં ભવિષ્ય પર મોટો ખતરો તોળાતો હતો! 

આ બાબતની ચર્ચા મેં ફાઉન્ડેશનના હેડને કરી અને અખ્તરે સંસ્થાની ઓફિસમાં કામ અપાવવા ભલામણ કરી. સરે તરત જ હાં પાડી અને શિક્ષકની નોકરી માટે તેને પસંદ કરાઇ. પરંતુ અમે તેની પાસે વચન માંગ્યુ કે તારે કોલેજમાં ફર્સ્ટ ક્લાસ લાવવો પડશે. અખ્તર ખરેખર ખરું સોનું સાબિત થઇ. નોકરી અને ઘરની સાથે સાથે તેણે અભ્યાસમાં પણ તનતોડ મહેનત કરી અને ત્રણેય વર્ષમાં ફર્સ્ટ ક્લાસ લાવી બતાવ્યો. બી.એ. પુરું કર્યા બાદ હવે તે બી.એડ. કરી રહી છે અને તેની ઇચ્છા પી.એચ.ડી. કરી ખૂબ આગળ વધવાની છે.

મને ખૂબ ગૌરવની લાગણી થાય છે કે અખ્તર માટે હું કંઇક કરી શક્યો. પરંતુ સાથે સાથે એ વિચાર પણ આવે છે કે શિક્ષકોની જવાબદારી, દેખાય એનાં કરતાં કેટલી મોટી હોય છે. જરા બેધ્યાન થયા અને તમારી નજર સામે અખ્તર જેવી કોઇક છોકરી મજૂરીના દોજખમાં ધકેલાઇ જાય કે પછી બાળવિવાહનાં ખપ્પરમાં હોમાઇ જાય!