આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં

હરેશ પરમાર, ટીમ લીડર, ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન, વડાલી.

ગાજીપુર એ વડાલી તાલુકાને છેવાડે આવેલું એક સરસ મજાનુ ગામ છે. પણ, ગામનો વિકાસ હજી પ્રાથમિક તબક્કામા છે. હું ગાજીપુર પ્રાથમિક શાળામાં ફાઉન્ડેશનનાં ટીમ લીડર તરીકે ઘણીવાર વિઝીટ માટે જતો હોઉં છું, અહીં બાળકોને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળી રહે તે માટે અમે શક્ય એટલી તમામ કોશિશો કરીએ છીએ. પરંતુ, બાળકોની ગેરહાજરીને કારણે અમારી કોશિશોને ધારી સફળતા મળતી નથી. ઘણાં બાળકોને ઘરે જઇને અમે તેમનાં મા-બાપને સમજાવવાની કોશીશ કરીએ છીએ અને પરિણામે છોકરૂં નિયમિત આવતું થાય છે. એમાં ૫ માં ધોરણમાં ભણતા એક બાળક યુવરાજસિંહ ડાભીના ઘરે અમે ગયેલાં, એ આજે પણ મને યાદ છે. છોકરો શાળાએ આવવામાંં ખુબજ અનિયમિત હતો. એટલે જ એક દિવસ હું, અમારી સંસ્થાના એજ્યુકેશન કોઓર્ડીનેટર, ચેતપાલસિંહ ચંપાવત અને શાળાનાં શિક્ષકો, વિપિનભાઇ પટેલ તથા ચંદ્રકાંતભાઇ પટેલ યુવરાજના ઘરે ગયા, ત્યાં જે હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયા એ આજેય અમારી દ્રષ્ટિ સમક્ષ તાજા છે જે ભુલાય એમ નથી.

યુવરાજનાં ઘરે અમે એની મમ્મીને જ મળી શકયા, એના પપ્પા ઘરે હતા જ નહીં. એની મમ્મી પણ કામે જવાની ઉતાવળ કરતી હતી. અમે એમને સમજાવવાની કોશીશ કરવા ગયા તો કંઇક જુદુ જ સાંભળવા મળ્યુ, “સાહેબ, મારો ધણી ખરાબ લતે ચઢી ગયો છે. ઘરમાં ખાવા માટે અનાજ કે તેલનું ટીપુય નથી, હું જેમ તેમ મજુરી કરી મારા અને મારા બાળકોના પેટનો ખાડો પુરૂ છું,  તો એને શાળાએ તૈયાર કરીને ક્યાંથી મોકલું? એ હશે તો એના ભાઇભાંડુને સંભાળશે અને હું નિરાંતે કામ કરવા જઇ શકું. બીજુ, એ ક્યાંક કામ કરશે તો ઘરમાં બે પૈસા પણ આવશે અને બે ટંકનું ભોજન મળી રહેશે.” એની મમ્મી તો આટલુ કહીને કામે જતી રહી, પણ ત્યારબાદ યુવરાજનું રૂદન અમને વધુ હચમચાવી ગયુ, યુવરાજ રડતો જાય અને બોલતો જાય “સાહેબ, મારે શાળાએ આવવું છે. કાંઇક કરો, મને ક્યાંક કામે લગાડી દો. હું રાતે ક્યાંક કામ કરીને થોડા પૈસા કમાઇશ અને સવારે શાળાએ આવીશ, એટલે મારી મમ્મીને આટલું કામ નહી કરવું પડે.” ૫ માં ધોરણમાં ભણતું ૧૦-૧૨ વર્ષનું બાળક આટલું કરગરે ત્યારે અમારી શી વલે થઇ હશે! અમે તો બાળકને સમજાવવાની ઠાલી કોશિશો કરીને આવતા રહ્યાં. આવીને શાળામાં શિક્ષકોને સૂચના આપી કે, યુવરાજ સાથે પ્રેમભર્યુ જ વર્તન રાખવું, મધ્યાહન ભોજનનાં સંચાલકને જણાવ્યુ કે, આ બાળકોને ભરપેટ ભોજન આપજાે.

પણ આટલું કરીને શાળાના શિક્ષકો અટક્યાં નહી, તેમણે યુવરાજના માતાપિતાની વારંવાર મુલાકાત લીધી. તેનાં પિતાને સમજાવ્યા, “તમે ઘણાં ભાગ્યવાન છો, આ બાળક તમારા ઘરે જનમ્યું છે એને ભણવાની કેટલી ચાહ છે! તો એનું સપનું શું કામ રોળવો છો ? જરા, બાળક પર ધ્યાન તો આપો. એને શું જાેઇએ છે એનું ધ્યાન તો રાખો.” થોડી મુલાકાતો પછી માતાપિતાનાં મનમાં ધીરે ધીરે વાત ઠસવા માંડી હતી, યુવરાજ નિયમિત શાળાએ આવતો થઇ ગયો. છોકરો ઘણો ખુશ દેખાવા માંડ્યો, અમે ચિંતામુક્ત થયા ત્યારબાદ દિવાળી વેકેશન આવ્યું, વેકેશન પછી શાળા ખુલ્યા બાદ યુવરાજ જ્યારે શાળાએ આવ્યો તો અમે દંગ રહી ગયાં. યુવરાજ એની નવી સાઇકલ સાથે ઉભો હતો! ખુશીથી ઉછળતાં છોકરો બોલ્યો, “વેકેશનમાં અમે બધાએ મળીને ઘણું કામ કર્યું. એ પૈસાથી મારા પપ્પાએ મને નવી સાયકલ લાવી આપી.” અમારા આનંદનો પાર ન હતો. પહેલી મુલાકાતનું ભણવા માટે કરગરતું બાળક અને હવે ભણવા માટે સાયકલ પર આવતુ બાળક! અમારા પ્રયત્નો વ્યર્થ ન્હોતા ગયાં. એકવાર નહીં, બે વાર નહીં પરંતુ વારંવારની મુલાકાતોથી એક પિતાને તેની ફરજાેનું ભાન કરાવવામાં સફળતા મળી હતી, એક બાળકનું બાળપણ બચી શક્યું હતું અને ભવિષ્ય તરફ કદમ મંડાયાં હતાં. ”